આકર્ષણ

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી with tags , , , , , , on March 29, 2009 by ruchir

sns1

 

હું તને પામી રહ્યો છું
તારા વિસ્તારનું
એક અન્ત્યબિંદુ થઈ

તારા સૂરોને
મન આશ્લેષમાં લઈ
વહાલ કરતું રહે છે
તે છતાં
તને શોધું છું હું
છાને છપને,
અંદરના મૌનમાં
તારું સઘળું સંગીત્
શાંત થયા પછી

તારી પગરજની ગંધ
મિશ્ર થયા પછી
ગુલાબની પાંદડીનું જેમ ગૌરવ વધે છે તેમ
પાર્થિવ સંઘર્ષોમા વધી રહ્યું છે
મારું આત્મગૌરવ

તારાથી ઘણેજ દૂર એવો હું
દોડી રહ્યો છું પળેપળે
ફેલાએલી બાંહો લઇને
તારી તરફ
કોણ જાણે કેટલીય ટેકરીઓ,
ખીણો ને આકાશ વિસ્તરેલાં છે
મારી ને તારી વચ્ચે
છતાં પણ એકજ વાત મનમાં કે
હું દોડી રહ્યો છું
બસ તારી તરફ

પગરવ

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી with tags , , , on March 27, 2009 by ruchir

woods

 

  • પગરવ

કાગળ પર પેન એક
ધસમસતી જાય
    કંઈક રસ્તા ઊઘડે અને
    કંઈક બન્ધ થાય

રસ્તાઓ રસ્તાઓ
ડુંગરાં ચોપાસ
    કંઈક નદીઓ કૂદે
    કંઈક સાવ સૂઈ જાય

સૂતાં રસ્તાઓ પર
ચાલવાના શોખ
     મને મ્હાલવાના શોખ
     જયાં પગરવ ખોવાય

પગરવ ખોવાય કોઈ
વનરાજી માં
     જ્યાં વણખેડી કેડી પર
     પગરવ વવાય

વણખેડી કેડી પર
અંધારુ આપઘાતી
      પડછાયા થઈેને
      ઊંચેથી પછડાય

પછડાયાં પડછાયાં
સળવળ સળવળ
      મરતાં પહેલાનું
      થોડું જીવી જાય

સળવળતાં સાપો
પડછાયાં બાથ ભરી
      સ્વર્ગની દીશામાં
      ધીમે ચઢતાં જાય

વ્રુક્ષોની ટોચ પર
સાપોની બાથમાંના
      પડછાયા સૂરજ
      બટકે બટકે ખાય

  “પડછાયાઓનો રે
    મોક્ષ ના થાય..!”
     વાવેલો પગરવ
        ધીમુ એ રડી જાય.

તો!

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી on September 16, 2009 by ruchir

Aapane1

શરીર મારું શબ્દ થઈ ફેંકાય
તીર એ ઉતરે તારી અંદર
સચવાય એનું શબ સદા યાદદાસ્તમાં

મન મારું પાણી બની વહ્યા કરે
મારી કવિતાઓની ખોવાતી-કહોવાતી છીપમાં
પાંગરે બે મોતી તારી આંખનાં

આત્મા મારો સૂર્ય થઈ ઊગી નીકળે
તારો, કોઈ હસતી રમતી સવારનો પડછાયો
તને પૂછતો રહે – હું ક્યાં?

સાથે

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી with tags on April 2, 2009 by ruchir

 

 sathe

 

તારી કેડ્યે કુંડળાયેલાં
મીઠાં મરોડ
ભલાં પુછી બેઠાં કે મને
શાનાં છે કોડ
એનો દીધો જો સાચો
જવાબ તો તું લજ્જાઇ
બોલી ઉઠીશ કે ‘હવે છોડ!’

હરીયાળી વાતોનાં ખેતર વાવ્યાં છે
મારી આંખોએ પાંપણ પછાડે
જ્યાં સૂરજ જરી ન રંજાડે
એવાં ધુમ્મસમાં બોળેલાં ખેતર લણતી
તું તારી આંખોના એેક-એક ઉલ્લાળે
તારી આંખોના અણિયાળાં
દાતરડાં મારીતે
ઉગતી નિંદર્યુંને નહિં ભાળે

તારી સાથેની મારી રાતે વરસતાં
પાણી વિનાના કોઈ મેહ
મારી બાજુમાં રહે સૂતેલી તું
મને હળવા અડક્યાંનો દઈ છેહ
તારા હળવાં અડક્યાંથી ભીનો
આખ્ખોએ દેહ

ઊઠતાં જોઉં તો મારાં રુંવેરુંવે
ફરે તડકાનાં ઝેરીલા સાપ
      જાઉંજો દુરતો તુંયે રુઠે
      ને વળી રોવે તો થઈ જાયે પાપ
તારા આંસુના વણઝારાં ગાતાં જે ગીત તે
મારી આંખોને લખી આપ

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી with tags , on April 2, 2009 by ruchir

suryaast

હે ઈશ્વર્,

રોજ રાત થઈ
ઉતરી આવતું
ક્યું દર્દ
તારી છાતીમાં લઈ તું બેઠો છે?

એ કયું દર્દ
અવાજ વગર
અમને વીંટળાઈ વળે છે
અને અમે બ્હાવરા થઈ
ઘર તરફ દોટ મૂકીએ છીએ

અમને નિંદ્રાના પથે મૂકી જાય છે
એ અમારી અંતર્મુખતા છે કે તારી?!!

જે અમને અંધારાં સ્વપ્નોમાં ડુબોળે છે
એ તારા આંસુઓની ધારા
કઈ પ્રગાઢ ઊર્મિઓનું પરિણામ છે??

એ કયું દર્દ
તારી છાતીમાં લઈ તું બેઠો છે?!!

જિંદગીને..

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી with tags , , , , , on April 1, 2009 by ruchir

shraddha 

 

 

 

મારાં વહી જતા ઊચ્છવાસોમા
ઉડી જતી પરીઓ
તમે ખોવાઈ ના જશો..,

અંધારી રાત્રે હું
સાવ એકલો
ચાલવા નિકળી પડયો હોઉં તો
મળી લેજો મને
રસ્તામાં આવતાં
મંદિરના માતાજીની મૂર્તિ બનીને,
આપણી આ મુલાકાત નો સાક્ષી હશે
ખુણામાં બળતો
એકમાત્ર સ્થિર
અખંડદિવો

અને હું મુંઝવાતો હોઉં એકલો
કોઈ નવા જ મિત્રનું ઘર શોધતાં
શિયાળામાં દૂરની સાવ અજાણી જગાએ
તો  આવી જજો મને શોધતાં
ફટફટીયાપર મૂંછાળો માણસ બનીને
પહોંચાડી જજો મને મારા દોસ્તને ત્યાં
જ્યાં મારી રાહ જોતું હોય સાંજનું વાળું
અને મગફળીના ગરમ ઢગલાપર સૂતાં
સંભળાતી તેની વાતો

તમે આવી ચડો ક્યારેક કોઈ બપોરે
ટપાલી સાથે ટપાલ બનીને
તો થોડી રાહ જોજો,
જરાજરા હાંફી રહેલા ટપાલીને હું
પાણીનું પુછીશ
અને જ્યારે એ
અજાણ્યા હોવાની ઝાંખી શરમથી
પાણીને ઊંચેથી ઝટ
ગટગટાવી રહ્યો હશે ત્યારે
તેની દાઢીએથી નીંતરીને ટપકતી હશે
મારી તમનેજ મળવાની ઉત્સુકતા
તમે પણ રાહ જોજો

ઉનાળામાં બધાં સાથે
ધાબે સૂતો હોઉં ને
અચાનક જાગતાં
મારી સીધી નજર
શોધશે તમને આકાશમાં
જો ઝબકી જાઓ તમે ક્યાંક
સુરેખ સ્મિતાળો ખરતો તારો બનીને તો
ભલે આપણી નજર નહિં મળે પણ
આકાશના કોઈ અણધાર્યાં ખૂણે
તમને મળ્યાંનો આનંદ તો હશેજ
તમને મળી લીધાં નો આનંદ
મારા એકલા અટુલા વિચારનિવ્રુત્ત મનની
બહુ કિંમતી મૂડી હશે..

તમે આવતાં રહેજો રાત્રે
અડધી બીડાયેલી આંખે સૂતાં
બાળકની દાદીમાંની વાર્તાઓમાં
એ બાળકે વાર્તા દરમ્યાન પુછેલા
તેના ચહેરા જેવા નિર્દોષ રુપાળાં પ્રશ્નોમાં
અને તે પ્રશ્નોના ડહાપણ ભીનાં
પોચાં તર્કવાળાં, બોખાં પ્રત્યુત્તરોમાં
જે સાંભળશે ખુલ્લામોંની અપલક જિજ્ઞાસા..
તમો શોષાઈને
મિંચાઈ જજો તેમાં
આખેઆખાં

બા

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી with tags , , , , on March 30, 2009 by ruchir

 

baa3

 

અહિં તહિં વિહરતી શબરી
અને એકઠાં થયેલાં મીઠાં બોરથી
ટેવાયેલું નામ
રામ રામ

પડખું ફેરવતાં
ખેંચાતી માળાના મણકાઓ
અને છાતીમાં ડૂબતાં જતાં
તારાઓનું ગ્રામ
રામ રામ

રાહુ જુએ, પણ
કોની એ ના જાણે
આંખ ન માંગે આરામ

હાઇકુ

Posted in Gujarati Poems, કવિતા, ગુજરાતી, હાઇકુ with tags , , , on March 29, 2009 by ruchir

4haiku4

 

 ચંદન ગંધ
અંધ ઘસેલી ઉગી 
   સૂરજ થઇ
                                     તરસ્યું ઝાડ
                                 આવીને મોઢા મોઢ
                                      ઊભું રણમાં

        સાવ રુઠિને
  બન્ધ થયેલી આંખો
      ખોજતી મને
                                         કેટલી વાતો
                                    ઊભરાતી આંખોમાં
                                        ભીનાશ થઇ !

મંથન

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી with tags , , , , on March 28, 2009 by ruchir

manthan1

મન નાચતું
ખાટી છાશ જેવું ઘમ્મરઘમ

ઉછળતું સફે્દ ઉત્સાહી છોળોમાં
છીણાઈ પાછું પડતું
અનેક નીતરતી બુંદોમાં

અંદર મથતું પોત પકડવા
‘ક્યાં છે માખણ?’
પૂછતું ફરતું
સફેદી અવાક સૌ કણકણને
મુંઝાતું અનુત્તરોમાં

ખટાશ, હસી લઈ અવહેલે
આડશ થઈ સમયને ઠેલે
છતાં મગ્નએ
વિરલ લયે ખળખળી
ધસે અંદર એ
વળી વળી ને
ઢંઢોળે આખી જાત,
પામવા
એક વિરંગી અંધારા નો અર્ક
સ્વભાવે હોવાનો એક તર્ક

ત્યાંજ હજી કંઈ છોળાયું, ફીણ થઈને ફરે
એક સઘળી હળવાશનું
તારતમ્ય તરવરે

મારું જૂનું ઘર

Posted in Gujarati, Gujarati Poems, kavita, કવિતા, ગુજરાતી with tags , , , on March 27, 2009 by ruchir

 

home1

 

મારૂં જૂનું ઘર

મારે જવુંતું ખૂંદવા ડૂંગરાં હતો અફર્,
આવી ગયું રસ્તામાં પણ મારૂંજ જૂનું ઘર
મનમાં તરંગો જાણે મે સંઘ્યૂં કોઈ અત્તર
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!

જેની દિવાલો મારા બચપણથી તરબતર
જેની સિઢીમાં મારા વર્ષોની ચઢઊતર
ડર જ્યાં હજી અજાણ્યા બાવાનો કારગર
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!

હજુ યાદ છે કે રમતાં ફૂટી ગયો જો કાચ
ડોશી પેલી ગાળો મંહિ સહૂની કરે કબર
એ કયાં હશે આજે એનો કોઈ નથી ઉત્તર
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!

દફ્તર મુકી બાજુએ કેવી રમતાતાં બાજી
કરતું કોઇ અંચઈ તેને ચુંટલીઓના નસ્તર
પણ થઈ જતું ત્યારે બધું થોડાકમાં સરભર,
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!

નાજુક પેલી જાંબુડી તેને પાતળું આજે થડ
ઠળિયો મેં વાવ્યોતો એ કયા જાંબુની અંદર
વિજ્ઞાનમાં હશે શં કોઇ વ્યાજબી ઉત્તર??
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!

હશે એ ગાય ક્યાં જે આવતી’તી બારીની પાસે
ને બેસી ચાવતી મારો સમય આ ઓટલા ની ઉપર
તેનાં બે શિંગડે જમ્યાં હશે મારા સમયના થર!
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!

મારી ખોવાઈ છે ચીજો ઘણી આ ઘર ની આસપાસ
અહિં ખોવાયા આનંદો ઘણા મિત્રોથી જે સભર
હું તો ઊમટીજ પડવાનો ભલે જાતો જુદે નગર
આવી ગયું રસ્તામાં જો મારુંજ જુનું ઘર