અહિં તહિં વિહરતી શબરી
અને એકઠાં થયેલાં મીઠાં બોરથી
ટેવાયેલું નામ
રામ રામ
પડખું ફેરવતાં
ખેંચાતી માળાના મણકાઓ
અને છાતીમાં ડૂબતાં જતાં
તારાઓનું ગ્રામ
રામ રામ
રાહ જુએ, પણ
કોની એ ના જાણે
આંખ ન માંગે આરામ
અહિં તહિં વિહરતી શબરી
અને એકઠાં થયેલાં મીઠાં બોરથી
ટેવાયેલું નામ
રામ રામ
પડખું ફેરવતાં
ખેંચાતી માળાના મણકાઓ
અને છાતીમાં ડૂબતાં જતાં
તારાઓનું ગ્રામ
રામ રામ
રાહ જુએ, પણ
કોની એ ના જાણે
આંખ ન માંગે આરામ
ચંદન ગંધ
અંધ ઘસે ને ઉગે
સૂરજ થઇ
—
ચિતા બળી ને
રાખ ફરવા ઊડી
હવાને સંગ..
—
તરસ્યું ઝાડ
આવીને મોઢા મોઢ
ઊભું રણમાં
—
સાવ રુઠિને
બન્ધ થયેલી આંખો
ખોજતી મને
—
કેટલી વાતો
ઊભરાતી આંખોમાં
ભીનાશ થઇ !
—
આંસુનાં
સરનામા તો ના પૂછો
સવાલ થઈને!!
હું તને પામી રહ્યો છું
તારા વિસ્તારનું
એક અન્ત્યબિંદુ થઈ
તારા સૂરોને
મન આશ્લેષમાં લઈ
વહાલ કરતું રહે છે
તે છતાં
તને શોધું છું હું
છાને છપને,
અંદરના મૌનમાં
તારું સઘળું સંગીત્
શાંત થયા પછી
તારી પગરજની ગંધ
મિશ્ર થયા પછી
ગુલાબની પાંદડીનું જેમ ગૌરવ વધે છે તેમ
પાર્થિવ સંઘર્ષોમા વધી રહ્યું છે
મારું આત્મગૌરવ
તારાથી ઘણેજ દૂર એવો હું
દોડી રહ્યો છું પળેપળે
ફેલાએલી બાંહો લઇને
તારી તરફ
કોણ જાણે કેટલીય ટેકરીઓ,
ખીણો ને આકાશ વિસ્તરેલાં છે
મારી ને તારી વચ્ચે
છતાં પણ એકજ વાત મનમાં કે
હું દોડી રહ્યો છું
બસ તારી તરફ
મન નાચતું
ખાટી છાશ જેવું ઘમ્મરઘમ
ઉછળતું સફે્દ ઉત્સાહી છોળોમાં
છીણાઈ પાછું પડતું
અનેક નીતરતી બુંદોમાં
અંદર મથતું પોત પકડવા
‘ક્યાં છે માખણ?’
પૂછતું ફરતું
સફેદી અવાક સૌ કણકણને
મુંઝાતું અનુત્તરોમાં
ખટાશ – હસી લઈ અવહેલે
આડશ થઈ સમયને ઠેલે
છતાં મગ્ન એ
વિરલ લયે ખળખળી
ધસે અંદર એ
વળી વળી ને
ઢંઢોળે આખી જાત,
પામવા
એક વિરંગી અંધારા નો અર્ક
સ્વભાવે હોવાનો એક તર્ક
ત્યાંજ હજી છોળાયેલું, થઇ ફીણ ફરે, ઉપરે;
મનના મંથનનું હળવું એક, તાત્પર્ય તરવરે..
મારૂં જૂનું ઘર
મારે જવુંતું ખૂંદવા ડૂંગરા હતો અફર્,
આવી ગયું રસ્તામાં પણ મારૂંજ જૂનું ઘર
મનમાં તરંગો જાણે મે સંઘ્યૂં કોઈ અત્તર
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!
જેની દિવાલો મારા બચપણથી તરબતર
જેની સિઢીમાં મારા વર્ષોની ચઢઊતર
ડર જ્યાં હજી અજાણ્યા બાવાનો કારગર
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!
હજુ યાદ છે કે રમતા ફૂટી ગયો જો કાચ
ડોશી પેલી ગાળો મંહિ સહૂની કરે કબર
એ કયાં હશે આજે એનો કોઈ નથી ઉત્તર
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!
દફ્તર મુકી બાજુએ કેવી રમતાં’તા બાજી
કરતું કોઇ અંચઈ તેને ચુંટલીઓના નસ્તર
પણ થઈ જતું ત્યારે બધું થોડાકમાં સરભર,
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!
નાજુક પેલી જાંબુડી તેને પાતળું આજે થડ
ઠળિયો મેં વાવ્યોતો એ કયા જાંબુની અંદર
વિજ્ઞાનમાં હશે શં કોઇ વ્યાજબી ઉત્તર??
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!
હશે એ ગાય ક્યાં જે આવતી’તી બારીની પાસે
ને બેસી ચાવતી મારો સમય આ ઓટલા ની ઉપર
તેનાં બે શિંગડે જામ્યા હશે મારા સમયના થર!
આવી ગયું રસ્તામાં જો મારુંજ જૂનું ઘર!
મારી ખોવાઈ છે ચીજો ઘણી આ ઘર ની આસપાસ
અહિં ખોવાયા આનંદો ઘણા મિત્રોથી જે સભર
હું તો ઊમટીજ પડવાનો ભલે જાતો જુદે નગર
આવી ગયું રસ્તામાં જો મારુંજ જુનું ઘર
પગરવ
કાગળ પર પેન એક
ધસમસતી જાય
કંઈક રસ્તા ઊઘડે અને
કંઈક બન્ધ થાય
રસ્તાઓ રસ્તાઓ
ડુંગરા ચોપાસ
કંઈક નદીઓ કૂદે
કંઈક સાવ સૂઈ જાય
સૂતા રસ્તાઓ પર
ચાલવાના શોખ
મને મ્હાલવાના શોખ
જયાં પગરવ ખોવાય
પગરવ ખોવાય કોઈ
વનરાજીમાં
જ્યાં વણખેડી કેડી પર
પગરવ વવાય
વણખેડી કેડી પર
અંધારુ આપઘાતી
પડછાયા થઈેને
ઊંચેથી પછડાય
પછડાયા પડછાયા
સળવળ સળવળ
મરતા પહેલાનું
થોડું જીવી જાય
સળવળતાં સાપો
પડછાયા બાથ ભરી
સ્વર્ગની દીશામાં
ધીમે ચઢતાં જાય
વ્રુક્ષોની ટોચ પર
સાપોની બાથમાંના
પડછાયા સૂરજ
બટકે બટકે ખાય
“પડછાયાઓનો રે
મોક્ષ ના થાય..!”
વાવેલો પગરવ
ધીમુ એ રડી જાય.