
મારા વહી જતા ઊચ્છવાસોમા
ઉડી જતી પરીઓ
તમે ખોવાઈ ના જશો..,
અંધારી રાત્રે હું
સાવ એકલો
ચાલવા નિકળી પડયો હોઉં તો
મળી લેજો મને
રસ્તામાં આવતાં
મંદિરના માતાજીની મૂર્તિ બનીને,
આપણી આ મુલાકાત નો સાક્ષી હશે
ખુણામાં બળતો
એકમાત્ર સ્થિર
અખંડદિવો
અને હું મુંઝવાતો હોઉં એકલો
કોઈ નવા જ મિત્રનું ઘર શોધતાં
શિયાળામાં દૂરની સાવ અજાણી જગાએ
તો આવી જજો મને શોધતા
ફટફટીયાપર મૂંછાળો માણસ બનીને
પહોંચાડી જજો મને મારા દોસ્તને ત્યાં
જ્યાં મારી રાહ જોતું હોય સાંજનું વાળું
અને મગફળીના ગરમ ઢગલાપર સૂતાં
સંભળાતી તેની વાતો
તમે આવી ચડો ક્યારેક કોઈ બપોરે
ટપાલી સાથે ટપાલ બનીને
તો થોડી રાહ જોજો,
જરાજરા હાંફી રહેલા ટપાલીને હું
પાણીનું પુછીશ
અને જ્યારે એ
અજાણ્યા હોવાની ઝાંખી શરમથી
પાણીને ઊંચેથી ઝટ
ગટગટાવી રહ્યો હશે ત્યારે
તેની દાઢીએથી નીંતરીને ટપકતી હશે
મારી તમનેજ મળવાની ઉત્સુકતા
તમે પણ રાહ જોજો
ઉનાળામાં બધા સાથે
ધાબે સૂતો હોઉં ને
અચાનક જાગતાં
મારી સીધી નજર
શોધશે તમને આકાશમાં
જો ઝબકી જાઓ તમે ક્યાંક
સુરેખ સ્મિતાળો ખરતો તારો બનીને તો
ભલે આપણી નજર નહિં મળે પણ
આકાશના કોઈ અણધાર્યાં ખૂણે
તમને મળ્યાંનો આનંદ તો હશેજ
તમને મળી લીધાં નો આનંદ
મારા એકલા અટુલા વિચારનિવ્રુત્ત મનની
બહુ કિંમતી મૂડી હશે..
તમે આવતાં રહેજો રાત્રે
અડધી બીડાયેલી આંખે સૂતાં
બાળકની દાદીમાંની વાર્તાઓમાં
એ બાળકે વાર્તા દરમ્યાન પુછેલા
તેના ચહેરા જેવા નિર્દોષ રુપાળા પ્રશ્નોમાં
અને તે પ્રશ્નોના ડહાપણ ભીનાં
પોચા તર્કવાળાં, બોખા પ્રત્યુત્તરોમાં
જે સાંભળશે ખુલ્લામોંની અપલક જિજ્ઞાસા..
તમો શોષાઈને
મિંચાઈ જજો તેમાં
આખેઆખા
Like this:
Like Loading...